A A

રાણી ની વાવ

રાણીની વાવ એ ભારતના ગુજરાત રાજ્યના પાટણ જીલ્લાના વડુ મથક પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે ૧૧મી સદીમાં બાંધવામાં આવેલ કલાત્મક કારીગીરીનો અદભૂત નમુનો છે. રાણીની વાવ મારુ-ગુર્જરા આર્કીટ્રેકચર સ્ટાઇલમાં બનાવેલ ઉત્તમ ઉદાહરણ છે.

રાણીની વાવનું નિર્માણ ૧૧મી સદીમાં સૌરાષ્ટ્રના ખેંગારની પુત્રી અને તે સમયે ચાલુક્ય વંશના રાજા ભીમદેવની પત્ની અને પાટણની મહારાણી ઉદયમતી દ્વારા પોતાના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બાંધવામાં આવી હતી. પોતાની ઉત્તમ કલા કારીગીરીના કારણે તાજેતરમાં જ રાણીની વાવને યુનેસ્કો દ્વારા ૨૨ જુન ૨૦૧૪ ના દિવસે વર્લ્ડ હેરીટેઝ સાઇટમાં સ્થાન અપાયુ છે. આ વાવ ૬૪ મીટર લાંબી, ૨૭ મીટર ઉંડી અને ૨૦ મીટર પહોળી છે. વાવની નીચે એક નાનો દરવાજા પણ છે જે દરવાજાથી ગુપ્ત માર્ગ દ્વારા ૩૦ કિલોમીટર દૂર સિધ્ધપુર શહેરમાં રુદ્ર મહાલય નજીક જઇ શકાય છે. તે સમયે રાજા દ્વારા આપત્તિના સમયે આ ગુપ્તમાર્ગનો ઉપયોગ કરાતો હશે.

આ વાવ કલાત્મક પ્રતિકૃતીઓથી ભરપૂર છે. જેમાં મોટે ભાગે ભગવાન વિષ્ણુની મૂર્તીઓનો સમાવેશ થાય છે. હિન્દુ સંસ્કૃતીની માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુના દશ અવતાર આ વાવમાં મૂર્તી સ્વરુપે જોઈ શકાય છે. તે ઉપરાંત અન્ય મૂર્તીઓમાં નાગકન્યા અને યોગીની જેવી સુંદર અપ્સરાઓની મૂર્તીઓ પણ અંકીત કરાયેલી છે. એક માન્યતા મુજબ આ વાવનો ઉપયોગ માત્ર પાણીના સંગ્રહ પુરતો સીમીત ન રહેતા તેમાં આર્યુવેદીક વનસ્પતીઓ પણ થતી હતી જેના કારણે આ વાવનું પાણી પીવાથી ગંભીર બિમારીઓ સામે રક્ષણ પણ મળતુ હતુ.હમણાં જ ભારત સરકાર દ્વારા વાવનું આર્કીયોલોજીકલ અને ઐતિહાસીક મહત્વ સમજીને રુ.૧૦૦ની ચલણી નોટ પર તેને સ્થાન આપવામાં આવ્યુ છે.