A A
Headquarter Patan
Talukas 9
Villages 521
Municipalities 5

પાટણનો ઇતિહાસ

રાજા વનરાજ સિંહ ચાવડાએ વિક્રમ સવંત ૮૦૨ને મહાવદ સાતમના રાજધાની પાટણની સ્થાપના કરી હતી. આ રાજધાનીનું નામ વનરાજ સિંહ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી રાખ્યું હતું. વિક્રમ સવંત ૮૦૨ થી ૯૯૮ એટલે કે ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું ત્યાર બાદ મુળરાજ રાજ સિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વશની સ્થાપના કરી હતી સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિધ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ રાજ કર્યું હતું. વનરાજ ચાવડા અને સોલંકી અથવા ચાલુક્ય વંશના યુગમાં અહિલપુર પાટણ રાજધાની તરીકે પ્રખ્યાત હતું અને આમ ગુજરાત રાજ્યનું સાડા પાચસો વર્ષથી પણ વધુ સમય સુધીઆ પાટણ રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે. પાટણમાં રાજા ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ જેવા શક્તિશાળી રાજાઓ દ્વારા શાસન થતું હતું. ચૌલુક્ય યુગમાં ઉદયન, મુંજલ મહેતા, તેજપાલ - વાસ્તુપાલ જુદા જુદા રાજાઓના સચિવ હતા. હેમાચંદ્રાચાર્ય, શાંતિ સુરી અને શ્રીપાલ જેવા જૈન વિદ્વાનો રાજાઓને માર્ગદર્શન કરતા હતા. આચાર્ય હેમાચંદ્રાચાર્ય જૈન વિદ્વાન અને કવિ હતા જેમણે વ્યાકરણ, તત્ત્વજ્ઞાન અને સમકાલીન ઇતિહાસ પર ઘણું લખ્યું હતું. જેથી તેમને "કાલિકાલ સર્વજ્ઞ" (કળયુગના સર્વજ્ઞાન ધરાવનાર)થી સન્માનિત કરાયેલ હતા.

સોલંકી કાળ દરમ્યાન પાટણ માં અનેક ઐતિહાસિક સ્થળો અને ઈમારતો બનાવામાં આવ્યા હતા તે આજે પણ યથાવત છે. બે પ્રખ્યાત સ્થાપત્ય સ્મારકો રાષ્ટ્રીય સ્મારકોનો દરજ્જો ધરાવે છે. તેમાંથી એક રાણીની વાવ અને બીજુ સહસ્ત્રલિંગ તળાવ છે. રાણી કી વાવ 11 મી સદીમાં રાણી ઉદમતી દ્વારા રાજા ભીમદેવની સ્મુર્તિમાં સ્મારક તરીકે બનાવવામાં આવી હતી. તેને 22 જૂન, 2014 ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં ભારત સરકાર દ્વારા ભારતની રૂપિયા 100ની ચલણી નોટ પર તેનો સમાવેશ કરવામા આવ્યો છે. બીજું સ્મારક, સહસ્ત્રલિંગ તળાવ, એક મધ્યયુગીન કૃત્રિમ પાણીની ટાંકી છે, જે ચાલુક્ય (સોલંકી) શાસન દરમિયાન ચાલુ કરવામાં આવી હતી.

પાટણમાં હેમાચંદ્રાચાર્ય ગ્રંથાલય, જૈન મંદિર અને રાજા સિધ્ધરાજ જયસિંહના કાલિકા માતાજી મંદિર અગ્રણી સ્થાનો છે. પાટણ વડોદરા રાજ્ય યુગનો મહત્વપૂર્ણ ભાગ હતો. આમ ગુજરાતની પ્રાચીન રાજધાની "અણહિલપુર પાટણ" તેના સુવર્ણ ઇતિહાસ તેમજ એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક કેન્દ્ર , પટોળા સાડીઓ અને માટીના રમકડા માટે જાણીતું છે.